વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે ગુજરાતના પ્રવાસે હતા. ભાવનગર ખાતે ભવ્ય રોડ શો બાદ અનેક વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યા બાદ વડાપ્રધાન હવાઈ માર્ગે હડપ્પન સંસ્કૃતિના નગર લોથલ ખાતે આવેલ મેરીટાઈમ મ્યુઝિયમની સમીક્ષા માટે જઈ રહ્યા હતા ત્યારે હવાઈ માર્ગે અમદાવાદ જિલ્લામાં ધોલેરા SIRના બહુહેતુક પ્રોજેક્ટોમાં થઈ રહેલા વિકાસ કાર્યોનું આકાશી તાગ મેળવ્યો હતો. વડાપ્રધાને હેલિકોપ્ટરમાંથી લગભગ 15થી 20 મિનિટ સુધી ધોલેરા SIRના વિવિધ પ્રોજેક્ટોનું વિહંગાવલોકન કર્યું હતું. તેમણે પ્રદેશના ઔદ્યોગિક, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ગ્રીન એનર્જી પ્રોજેક્ટોની પ્રગતિ અંગે પ્રાથમિક સમીક્ષા કરી હતી. ત્યારબાદ વડાપ્રધાન લોથલ ખાતે રવાના થયા હતા. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ધોલેરા SIRના આ પ્રોજેક્ટોને ભારતના આગામી ઔદ્યોગિક અને ટેકનોલોજીકલ હબ તરીકે વિકસાવવા માટે પ્રશંસા કરી હોવાનું નિકટવર્તી સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું.
